ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

D B Parekh Sarvajanik Highschool Sankheda | Principal Message

આચાર્યશ્રીનો સંદેશ

બાળકો એ વિશ્વની અતિ મૂલ્યવાન સંપતિ છે. તેના ઉછેર અને વિકાસમાં ભાવિના તંદુરસ્ત વિશ્વના એંધાણ છે. શિક્ષક એક કલાકર છે. વિદ્યાર્થીઓનાં ભાવીનો ઘડનાર છે. તે જેવો ઈચ્છશે તેવો વિદ્યાર્થી તૈયાર કરી શકશે. તે માટે જરૂર છે, વિદ્યાર્થી પ્રત્યેના પોતાના શુધ્ધ-દર્શનની. વ્યકિતના ચારિત્ર્ય ઘડતર માટે જ શાળાઓ હોય છે. ગાંધીજીએ પણ કહયું છે –“વ્યકિતના સર્વાગી વિકાસને જ સાચી કેળવણી કહેવાય.”

“ટિપાય તો મૃણ્મય ઘાટ થઈ શકે;
 દટાય તો વૃક્ષ બી નું બની શકે;
સુકાય બિંદુ તો નભે ચડી શકે;
સમર્પણે માનવી દેવ થઈ શકે;”

શાળા વિદ્યાનું પવિત્ર મંદિર છે. પ્રાચીન કાળમાં શિક્ષણ, સંસ્કાર, સભ્યતાનું સિંચન ગુરુકુળોનું ઋષિમુનિઓની છત્રછાયામાં પૂરું પાડવામાં આવતું હતું. આજે ઋષિમુનિઓનું સ્થાન આચાર્યશ્રીએ અને ગુરૂકુલોનું સ્થાન શાળાએ લીધું છે. સમાજમાં જે કાંઈ પરિવર્તન લાવવું હોય તેની એક અદભૂત સાંકળ શાળા છે. વિદ્યાર્થીઓના માધ્યમથી અને શિક્ષકોના સહકારથી સમાજને જાગૃત કરવાનું કાર્ય શાળા ધ્વારા થાય છે. શાળામાં વિદ્યાર્થીઓને બદલાતા જતા યુગની માહિતી આપવામાં આવે છે.

શાળામાં સાંસ્કૃતિક તેમજ ઈતર પ્રવૃત્તિઓ, પરીક્ષાનું આયોજન, સપ્તાહો તેમજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી, શૈક્ષણિક પ્રવાસના આયોજનનો સમાવેશ કરવામાં આવે છે. શાળા પરિવારમાં એકતા અને અખંડિતતાની ભાવનાને જાગૃત કરે એવા શાળાનાં સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.

શાળામાં પરંપરાગત વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં નૂતન શૈક્ષણિક પધ્ધતિઓના અમલ થકી જ શિક્ષણ આપવામાં આવે છે. જેનો સમગ્ર યશ શાળાના વિષય શિક્ષકોને આપવો ઘટે. અમારી શાળાના શિક્ષકો ઉત્સાહી અને ખંતિલા છે. દરેક શિક્ષક પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.

શાળાનું મુખ્ય ધ્યેય શાળાના બાળકોને માત્ર પુસ્તકીયું જ્ઞાન જ નહિ, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ સાધવાનો છે. આજના યુગમાં જયારે જીવન મૂલ્યોનું અધ પતન ખૂબજ ઝડપથી થઈ રહ્યું છે, ત્યારે સામાજિક જીવનમાં અરાજકતાભરી સ્થિતિ દિન-પ્રતિદિન વધતી જાય છે. આ સમયમાં શાળા જ બાળકોમાં સંસ્કાર સિંચન અને આદર્શ માનવનું નિર્માણ કરી શકે છે. આજના શિક્ષણમાં ભણાવવાની ટેકનિકો વધી છે. અભ્યાસક્રમોની સંખ્યા પણ વધી છે. પરંતુ સાચું શિક્ષણ જાણો કે ખોવાઈ ગયું છે, ત્યારે એક સાચો શિક્ષક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઉંમર પ્રમાણે શિક્ષણ સાથે વ્યવહારિક માર્ગદર્શન આપીને જીવન માટે તૈયાર કરે છે. શિક્ષક બાળકોને માનવીય મૂલ્યો અને જીવનના આદર્શ પુરા પાડે એ આ યુગમાં ખૂબજ જરૂરી છે.

બી.આર.શાહ (આચાર્યશ્રી)
તા.29-12-2009