ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ
સંખેડા
 

પ્રવૃત્તિઓ - સ્વચ્છતા અભિયાન

-

સપ્રેમ નમસ્કાર
નિર્મળ ગુજરાત બનાવવા માટેની નમ્ર અપીલ વાંચી જવા વિનંતી. આપણું ગામ નિર્મળ ગામ બને તેવું આપ ઈચ્છો છો જો જવાબ હો હોય તો આટલું કરવાનો સંકલ્પ કરીએ.
1. ધર-દુકાન-લારીના કચરાને કે નકામી ચીજ-વસ્તુઓને જાહેર રસ્તા પર ફેંકીશું નહિં.
2. જાહેર રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં પાનની પીચકારી થૂંકીશું નહિં કે મારીશું નહિં.
3. કચરો અને નકામી ચીજ-વસ્તુઓ એકઠી કરવા માટે ઘર-દુકાન કે લારી પાસે કચરાપેટી (ડોલ)અમારી જાતે મૂકીશું અને કચરો કે નકામી ચીજ-વસ્તુઓ તેમાં નાંખીશું.
4. ગ્રામ પંચાયતના સફાઈ કામદારો કચરો લેવા આવશે ત્યારે કચરાપેટીનો કચરો તેમને આપીને સ્વચ્છતા અભિયાનમાં અમારું યોગદાન આપીશું.
5. ઘરના બીન ઉપયોગી પાણીનો યોગ્ય નિકાલ કરીશું ગમે ત્યાં જાહેર સ્થળે નિકાલ કરીને ગંદકીમાં વધારો કરીશું નહિ.
6. જાહેર સ્થળો જેવા કે બાગ-બગીચા-ડેપો તથા શાળા-દવાખાના વગેરેના શૌચાલયો-મૂતરડીમાં ગંદકી વધારીશું નહિ.
7. પાળેલા પ્રાણીઓ જેવા કે ગાય-ભેંસ-બકરી-ગધેડા-કૂતરા વગેરે ને ગામની ગંદકીમાં વધારો કરવા તથા અકસ્માત સર્જવા માટે છૂટા રખડતાં મૂકીશું નહિ. જાહેર જનતાને તકલીફ ન પડે તે રીતે નકકી કરેલા માર્ગે તેમને ચરવા માટે લઈ જઈશું અને તેની યોગ્ય માવજત કરીશું.
8. ખાણી પીણીની લારીઓ તથા હોટલો પાસે ખૂબ જ ગંદકી જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દુકાનદાર તરીકે અથવા ગ્રાહક તરીકે આવી ગંદકીમાં વધારો કરીશું નહિં. જયારે હોટલ કે લારી બંધ કરીશું ત્યારે અમારા ધંધાને કારણે જે ગંદકી થઈ હશે તેને ઉઠાવીને તેનો યોગ્ય નિકાલ કરીને જે તે જગ્યા સ્વચ્છ કરીશું.
9. ગંદા પાણીના નિકાલ માટે બનાવેલી જાહેર ગટરોમાં અંતરાયો ઉભા કરીને પાણીના નિકાલને અટકાવીશું નહિ.
10. પોલીથીન બેગનો અતિશય ઉપયોગ માનવજાત માટે શ્રાપરૂપ છે. હાલના મોટાભાગના પેકીંગમાં પ્લાસ્ટીક અને પોલીથીનનો ઉપયોગ થાયછે. ચીજવસ્તુઓના ઉપયોગ પછી આવા પ્લાસ્ટીક કે પોલીથીનના પેકીગનો નાશ કરવો ખૂબજ મુશ્કેલ છે. કુદરતી રીતે કહોવાઈને પણ તેનો નાશ થતો ન હોવાથી માનવ સમુદાય અને પ્રાણી સમુદાય માટે તે જાનનું જોખમ બને છે તેથી આવા પેકીંગનો યોગ્ય રીતે નાશ કરીશું અથવા આવી બેગનો ઉપયોગ બંધ કરવા પ્રયત્ન કરીશું. ગામને નિર્મળ બનાવવું હશે તો આવી નકામી વસ્તુઓનો યોગ્ય રીતે નિકાલ કરવાનું વિચારવું પડશે. આપણા દેશમાં ગુટખા ખાનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.ગુટખો ખાધા પછી તેના પેકીંગને રસ્તામાં ગમે ત્યાં ફેકી દેવામાં આવે છે. તેનો યોગ્ય નિકાલ થાય તેવા પ્રયત્નો કરીશું.
11.આપણે સૌ સુશિક્ષિત બની ગુજરાતને ગતિ-શીલ-સમૃધ્ધ અને નિર્મળ બનાવવામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ તેવી અભ્યર્થના. દરેક ઘર-દુકાન નિર્મળ હશે તો દરેક શેરી-ફળિયું નિર્મળ બનશે. દરેક શેરી-ફળિયું નિર્મળ હશે તો દરેક ગામ નિર્મળ બનશે. દરેક ગામ નિર્મળ બનશે તો દરેક તાલુકો નિર્મળ બનશે. દરેક તાલુકો નિર્મળ બનશે તો દરેક જિલ્લો નિર્મળ બનશે.તો સમગ્ર ગુજરાત નિર્મળ બનશે. ચાલો આપણે સૌ ભેગા મળી ગુજરાતને નિર્મળ બનાવવાનો સંકલ્પ કરીએ.
બી.આર.શાહ (આચાર્યશ્રી)તથા ડી.બી.પારેખ શાળા પરિવાર

સ્થળ : ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ, સંખેડા
તારીખ :

પ્રવૃત્તિઓ